અત્યારે દુનિયાભરમાં ઘણીબધી સમસ્યાઓ ઉભરતી જોવા મળી રહી છે. આ સમસ્યાઓની સંખ્યામાં ધરખમ વધારો થશે જેમ જેમ દુનિયાની વસ્તીમાં વધારો થશે. આ પરિસ્થિતિઓ ને લીધે વિશ્વમાં એક નવા માળખાની માંગ વધી રહી છે.
વૈશ્વિક આર્થિક નીતિમાં ઘણા બદલાવ થવા જઈ રહ્યા છે.
પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે કાયદાઓમાં ખુબ મોટા પાયે ફેરફાર થવા જઈ રહ્યો છે.
રોજિંદા જીવનમાં આપણે ઘણી નવી અત્યાધુનિક પદ્ધતિઓનો વપરાશ વધતો જોઈ રહ્યા છીએ.
આ બધાજ ફેરફારો એક જ દિશા તરફ ઈશારો કરે છે, કે વૈશ્વિક સ્તરે પુનર્ગઠન (restructuring) થઇ રહ્યું છે. ફેરફારો ત્યારે જ થાય જયારે પરિસ્થિતિ અને સમય માં પરિવર્તન આવે. અને આવા જ ફેરફારોને લીધે તમે તમારી આજુબાજુ અને તમારી અંદર ઘણી બધી અંધાધૂંધી ફેલાતી અનુભવી રહ્યા હશો.
- સ્ત્રી-પુરુષ વચ્ચેનું જાતીય અંતર
- આર્થિક અસમાનતા (અમીરનું અમીર બનવું અને ગરીબનું વધારે ગરીબ)
- પેઢીઓ વચ્ચેનું અંતર
- સરકારો પરના ઘટતા જતા વિશ્વાસને કારણે થતો વિરોધ
- વેપાર યુદ્ધ
- બેરોજગારીનું વધતું જતું પ્રમાણ
- વાતાવરણમાં થતો ફેરફાર (Climate change)
- અને આના જેવા જ બીજી ઘણીબધી સમસ્યાઓને લીધે અંધાધૂંધી ફેલાઈ રહી છે.
શું કારણ છે આ અંધાધૂંધી ફેલાવાનું?
છેલ્લા 60-70 વર્ષથી આપણે સૌએ દુનિયાને ટેક્નોલોજી અને બહારના જગતના વિજ્ઞાનથી ખુબ જ અત્યાધુનિક બનાવી દીધી છે. અને આ બદલાવની ગતિ દિવસેને દિવસે વધી રહી છે. આર્થિક અને વેપાર વાણિજ્યનું વૈશ્વિકરણ, ઈન્ટરનેટ, સોશ્યિલ મીડિયા, આર્ટીફીસીયલ ઇન્ટેલિજેંસી, ઑટોમેશન વગેરેના કારણે વિશ્વમાં સુવિધાઓ ખુબ જ વધી છે.
એક વસ્તુ આ બધા જ ફેરફારોમાં સામાન્ય છે, અને એ છે માણસ પોતે. આપણે બધા આ વૈશ્વિક અસરોથી પ્રભાવિત છીએ. અને ઘણાખરા અંશે આ અસરો આપણે જ ઉભી કરી છે.
માણસ કેવો બને એનો આધાર છે એ કેવી વસ્તુઓ ગ્રહણ કરે છે. ઈન્ટરનેટ અને વૈશ્વિકરણના લીધે દુનિયાભરની માહિતી અને વસ્તુઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ હોવાના લીધે આજની પેઢી અલગ-અલગ વિચારધારાઓના મિલનથી બની રહી છે. મુશ્કેલી ત્યાં જે કે વિચારો કાલ્પનિક છે જયારે તેમની આજુબાજુની દુનિયા વાસ્તવિક છે.
કોઈ વિચારધારા ખરાબ છે એવું નથી પણ તમે કોઈપણ સંસ્કૃતિ કઈ રીતે બને છે એના પર ધ્યાન આપશો તો જણાશે કે સમય અને પરિસ્થિતિ મુજબ સામાજિક રીતિ-રિવાજો બદલાતા રહે છે. આ ફેરફારો સમયની સાથે સંસ્કૃતિ, પર્યાવરણ અને આર્થિક જગતની સ્થિરતા બનાવી રાખવા જાગ્રત મને સ્વીકારવામાં આવશે તો જ આપણો સમાજ આંતરિક અને બાહ્ય બંને રીતે સ્થિર બની શકશે.
આપણે આ બાબતે શું કરી શકીયે તેમ છીએ?
આપણે આ અસ્થિર સામાજિક ઢાંચાને સ્થિર બનાવવા માટે વાસ્તવિક જગતના એટલે કે પ્રકૃતિ કઈ રીતે કાર્ય કરે છે એની સમજણ કોઈ પણ વિચારધારા સાથે જોડાયા વગર કરવાની રહેશે. આપણે ત્યાં સુધી સ્થિર સમાજની રચના નહિ કરી શકીયે જ્યાં સુધી આપણી વિચારધારા જડ અને એક પક્ષ તરફી હશે.
જયારે આપણે આપણી વિચારધારા કે આપણી જાતને સમજવાની વાત કરીયે ત્યારે એક શબ્દ મગજમાં આવે છે, આધ્યાત્મિકતા. જયારે બહારની દુનિયાની કાર્ય પદ્ધતિ સમજણ આપણે એક ઉદ્યમી બનીને એ પદ્ધતિનો ભાગ બની, એ પદ્ધતિ અનુસરીને, એમાં રહેલી સમસ્યાઓને અને તેમના સ્તરને અનુભવીને જ કેળવી શકીયે તેમ છીએ.
આધ્યાત્મિકતા અને ઉદ્યમશીલતા ની ઘણાબધા લોકોએ અલગ-અલગ વ્યાખ્યાઓ આપી છે. પણ જો કોઈ વ્યાખ્યા વૈશ્વિક સ્તરે લાગુ પડતી હોય તો આ છે
આધ્યાત્મિકતા એટલે તમારી જાતને આત્મા સાથે સરખાવીને જીવવું. આત્મા એટલે કે આકાર-વિકાર વગરની ઉર્જા. જે તમારી અંદરની સ્થિરતા માટે જરૂરી છે.
ઉદ્યમશીલતા એટલે કે સમસ્યાઓનું ઉકેલ શોધવાવાળી માનસિકતા. જે સમાજની સ્થિરતા માટે જરૂરી છે.
એટલે આ બંને શબ્દને ભેગા કરીયે તો બને છે ‘આધ્યાત્મિક ઉદ્યમશીલતા‘, આ બંને ક્ષેત્રને સાથે રાખીને એક માનસિકતા વિકસાવવાની વાત છે. કે જે પરિસ્થિતિ અને સમયની માંગ પ્રમાણે ઢળી સકારાત્મક અભિગમ સાથે કામ કરવા હંમેશ તત્પર રહે.